ધરમપુર: હુમલાખોર તલાટી.. ગતરોજ ધરમપુરના પિંડવળ ગામની ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા મરણના દાખલો લેવા આવેલા અરજદાર સાથે ગ્રામ પંચાયતના સભ્યને જાહેરમાં માર મરાયાનો કિસ્સો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં આદિવાસીઓમાં આક્રોશનું વાતાવરણ ઉભું થયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના પિંડવળ ગામમાં રહેતાં વિષ્ણુભાઈ પિતા લાછીયાભાઇ જાદવનો મરણનો દાખલો લેવા માટે ગયા હતા પણ ગ્રામ પંચાયતના તલાટીએ મરણની નોંધણી ન થઇ એમ કહી દાખલો આપવાની ના પાડી. વિષ્ણુભાઈ તલાટી આગળ આજીજી કરી કે મને કાઢી આપો પણ તલાટી એક- ના બે ન થયા અને વિષ્ણુભાઈ સાથે ઉદ્ધત વર્તન કરવા લાગ્યા. આ સમયગાળામાં પીંડવળ ગ્રુપગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય સુરેશભાઈનું ત્યાં આવવાનું થયું  અને તેમણે પણ તલાટીને વિષ્ણુભાઈને મરણનો દાખલો આપવાની આજીજી કરી પણ તલાટીએ એમને પણ મોં પર ચોખ્ખી ના પાડી દીધી. જેને લઈને બાદમાં તલાટી અને સુરેશભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને સત્તાના ઘમંડમાં આવી સુરેશભાઈને તલાટીએ પકડી લઈને માર મારી, ગ્રામ પંચાયતમાંથી બહાર કાઢી મુકવા  ધક્કામુક્કી કરી અને લાતો મારી અને પંચાયતમાં પડેલા PVC પાઈપના ટુકડા દ્વારા પણ માર માર્યો. તલાટીના આ હિંસક વર્તનને જોઈ ગ્રામ પંચાયત પર કામ લઈને આવેલ અરજદારો ડરી ગયા અને ત્યાંથી જતાં રહ્યા હતા

આ ઘટના ભારે વિવાદનું સ્વરૂપ પકડે તે પહેલાં જ ગામના આગેવાનોએ વચ્ચે આવી સમાધાન કરાવ્યું અને તલાટીએ વિષ્ણુભાઈને મરણનો દાખલો આપ્યો હતો. હવે જો દાખલો આપવો જ હતો તો આ ધતિંગ કરવાનું શું જરૂર ઉભી થઇ એ મોટો સવાલ છે. સત્તાના ઘમંડમાં મદમસ્ત બનેલાં આવા હુંમલાખોર તલાટી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરાઈ છે પણ આજે બે અઠવાડીયાથી વધુ સમય વીત્યા છતાં વલસાડ જિલ્લા તંત્ર હજુ સુધી કોઈ પગલાં લીધા નથી..! બોલો.. વલસાડનું તંત્રની નિર્ણય લેવાની અને ન્યાય આપવાની શક્તિ સાવ નિમ્ન સ્તરની થઇ ચુકી છે એમ આદિવાસી લોકો કહી રહ્યા છે.