વાંસદા: લોકચર્ચા એવી છે કે છેલ્લા ઘણા વખતથી સરપંચ અને સભ્યો વચ્ચે ખચકાટ રહેતો હોવાના કારણે વાંસદા ગ્રામપંચાયતના સરપંચ ગુલાબભાઈએ વાંસદા તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ ન કરતાં રાજીનામુ ધરી દીધા અને હવે પાછા ખેચી લીધાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી વિગતો મુજબ વીતેલા એક દોઢેક વર્ષમાં વાંસદા ગ્રામપંચાયતના સરપંચનું આ ત્રીજીવારનું નાટક છે. સરપંચ પદ પરથી રાજીનામું આપે છે પાછું ખેચી લે છે. આમ વારંવાર કરી તેઓ શું સાબિત કરવા માગે છે એ લોકોને સમજમાં નહિ આવતું. સરપંચ પદની એક ગરિમા છે તે ગામનો પ્રથમ નાગરિક માનવામાં આવે છે રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને સરપંચ એ સ્વતંત્ર હોદ્દા ધરાવતાં લોકોના પ્રતિનિધિ છે. ત્યારે આ પ્રકારનું વાંસદાના સરપંચનું વલણ યોગ્ય નથી. લોકોનું માનવું છે કે પંચાયતના મોટાભાગના સદસ્યો સરપંચ ગુલાબભાઈની કામગીરીથી નારાજ છે જેને લઈને હંમેશા વિવાદ થતો રહે છે માટે રાજીનામું ધરી દેતા હોય છે.
હાલમાં ગુલાબભાઇને રાજીનામાંના વિષયમાં રાજકીય આગેવાનો સમજાવતાં રાજીનામુ પરત ખેંચી લીધાનું કહેવાય રહ્યું છે દરેક વખતેના આ નાટકબાજી બાદ હવે ગ્રામપંચાયતના સભ્યો અને ગ્રામજનો આ બાબતે શું નિર્ણય લેશે એ તો આવનારા સમયમાં જ જોવા મળશે.