છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં ૯૦ ટકા કરતાં વધુ આદિવાસી સમાજ વસે છે, ખાસ કરીને દિવાસોએ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો ત્રીજો તહેવાર કહીં શકાય કારણ કે આદિવાસીઓ અખાત્રીજે નવા વર્ષની શરૂઆત ગણતાં હોય છે, એ વર્ષ ની શરૂઆત અખાત્રીજ‌ ત્યાર બાદ ઉજાણી ત્રીજો દિવાસો.

ઉલ્લેખનીય છે કે અન્ય આદિવાસી વિસ્તારોમાં પણ દિવાસો ઊજવાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં દિવાહાનો રંગ જ કાંઈક અલગ છે, ગામેગામ દિવાસાના તહેવાર માટે ગામ આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મિટિંગ ) કરવામાં આવે છે અને ગામ પટેલ, ગામ પૂજારા અને ડાહ્યાની ઉપસ્થિતિમાં સર્વાનુમતે દિવાહો કાહના દાહડે વાળવા તે નક્કી કરવામાં આવે છે, જેમાં ગામો પ્રમાણે કેટલાક ગામોમાં દેવે દેવ એટલે કે ગુરુવારે દેવ પુજવાનો નક્કી કરવામાં આવે છે તો અન્ય કેટલાક ગામોમાં દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનુ રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં મંગળવારે કાતો બુધવારે પણ દેવ પુજાતો હોય છે, જે દરેક ગામમાં અલગ અલગ ખાસિયતો હોય છે જે વર્ષોથી ચાલી આવતી હોય છે. નક્કી કરવામાં આવેલ તહેવારની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામનાં કોટવાળને ગામપટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે તે ફળીયે જઇને પોતાની આગવી શૈલીમાં..એ… દિવાસો કરવાનો છે … આ હાટે બધાએ હાટ કરવાનો છે..! તેમ અને તે અગાઉ નજીક ના કોઈ પણ સ્થળે હાટ ભરાતા હોય તે પ્રમાણે હાટ કરી લેવા સુધીની જાણકારી આપવામાં આવતી હોય છે જેને લઈને સૌ એ તે પ્રમાણે તહેવારમાં જોઇતી સામગ્રી લેવા માટે હાટમા ઉમટી પડતા હોય છે આમ અહીંના આદિવાસીઓ તહેવાર દરમિયાન ઉપયોગી વસ્તુઓની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે

અહીંના આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામાં માને છે અને પ્રકૃતિ એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ -પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામા માને છે, જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનુ ગાયણુ કરવામાં આવે છે જે દેવોને રીઝવવા માટે ખુશ કરવા માટે કરવામાં આવે છે, કે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન કરવામાં ખેતીવાડી લીલી રહે ,વાવણીનો મબલખ પાક ઉતરે તેમજ વર્ષ દરમ્યાન ઢોર ઢાંકર અને પોતાના ઘરમાં અને ગામમાં સૌ સુખશાંતિ સૌની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દેવોને રાજી કરાતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આ વિસ્તારના લોકો દિવાહાનો તહેવાર ખાસ કરીને રાજીનુ ગાયણુ ઉપરાંત બીજા ત્રણ સુધી ઉજવતા હોય છે એક પહેલા દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનોનું પૂજન, દરેક ગામોમાં લગભગ દુધીયો દેવ,ઝરીયાદેવ, બાબા કુવાજા દેવ, ભેહાઅંટો દેવ, ગાદરીયો દેવ, વેરાઈમાતા, ખેડાઈમાતા, વગેરે દેવો દરેક ગામોમાં હોય છે તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં આવેલ હોય છે તેઓનું પુજન કરવામાં આવે છે, બીજા દિવસે મુખ્ય તહેવાર,તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે અને તહેવારનું એટલે કે તે દિવસે બપોરે જમ્યા બાદ ગામમાં વર્ષોથી નક્કી કરવામાં આવેલ જગ્યા પર સૌ એકત્રિત થતા હોય છે અને ચાલુ વર્ષે નવા લગ્ન કરેલ હોય તેવી જેટલી પણ ગામની યુવતી ઓ હોય તે સૌ યુવતી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં અવનવા આદિવાસી આભૂષણો થી સજ્જ થઇને ચણાનાં ડાળીયા સૌને વહેંચવાની દરેક ગામોમાં વર્ષો જૂની પરંપરા છે, જેની શરૂઆત ગામના પટેલ અને પુજારા એ ગામના પૌરાણિક દેવસ્થાનમાં જરૂરી પુજન કર્યા બાદ કરાવતા હોય છે અને દરેકે દરેક ને એક મુઠ્ઠી ભરીને ડાળીયા વહેંચવામાં આવતા હોય છે.

એ જ જગ્યાએ એક તરફ મોટલા પિહાની રમઝટ જામતી હોય છે તે ઉપરાંત પુરુષો અને મહિલાઓ સાથે મળીને આખી રાત સુધી ગરબા રમતા હોય છે, ગરબા એટલે સૌ કુંડાળે ઘુમતા એક તાલીએ એમના પૌરાણિક આદિવાસી ગીતો ગાઇને રમવામાં આવતા અલગ પ્રકારના ગરબાઓ જે અહીં ના આગવા અંદાજમાં આગવા લહેકામા ગવાઈ છે, અને બીજા દિવસે વાહી તહેવારની ઉજવણી કરતાં હોય છે. તે દિવસે જમવાની વાનગીઓ બનાવીને જમવા ઉપરાંત પિહાઓ વગાડીને લોકો ખુબ નાચી કૂદીને તેમજ ગરબાઓ રમીને દિવાસાનો તહેવાર ઊજવતા હોય છે. ત્યારબાદ ફરીથી દેવદિવાળી આવે ત્યાં સુધી રાબેતા મુજબ પોતાના ખેતીકામમાં લાગી જતાં હોય છે આમ અહીંના આદિવાસીઓમાં દિવાસાનું વિશેષ મહત્વ હોય છે.