કવાંટ: ભાજપ સરકાર આદિવાસીઓ પર થતાં અત્યાચાર બાબતે હમેશાં મૌન રહે છે જેથી ગુજરાતમાં દિવસેને દિવસે ભોગ બની રહયાં છે. કવાંટ તાલુકાના ખડલાં ગામના રહેવાસી સુનજી ભાઈ ભીલ પોતાના પરિવાર સાથે ખેત મજૂરી કરવા ભાવનગરના પાલીતાણા તાલુકાના ભાદલપુર ગામમાં હિજરત કરીને ગયેલા હતા. 2 દિવસ પહેલા ગામના જ રહેવાસી વિઠ્ઠલભાઈ પરમાર અડધી રાતે આવીને સુનજી ભાઈની દીકરીને છેડતી કરી હતી. આ મામલે ઠપકો આપતા તે દિવસે મામલો શાંત પડી ગયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ એટલે જ 9 તારીખે અદાવતને ધ્યાને રાખીને વિઠ્ઠલભાઈ 25 જેટલા લોકોના ટોળા સાથે આવીને આખા પરિવાર પર હુમલો કર્યો હતો અને ગામમાં મારતા મારતા સરઘસ કાઢ્યું હતું. ગામ લોકો પણ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા. ભોગ બનનાર આદિવાસી પરિવારના લોકોના જણાવ્યા અનુસાર વિઠ્ઠલ ભાઈ તેના સાગરીતો સાથે લોખંડની પાઇપ, ચપ્પુ અને લાકડીઓ ઉપરાંત પિસ્તોલ લઈને હુમલો કર્યો હતો. ઢોર માર માર્યા બાદ પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરિવારના બે લોકોને ગંભીર ઇજા પહોંચતા હાલ પાલીતાણા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. માથામાં ઘા વાગતા ત્રણ ટાકા અને હાથમાં પણ ઘા વાગતા ત્રણ ટાકા આવેલા છે.

આ ઉપરાંત ટોળામાં રહેલા વિઠ્ઠલ ભાઈ જરી સૂચક ગાળો બોલીને જાહેરમાં ઈજ્જત લૂંટી લઈશ તેવી પણ ઘરની મહિલાઓને ધમકી આપી હતી. હાલ આ પરિવાર પર ખૂબ દબાણ કરવામાં આવી રહ્યું છે અને ભયના ઓથાર હેઠળ છે. છેડતીની ઘટના બાદ પરિવારના લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવા ગયેલા હતા પરંતુ પોલીસે ફરિયાદ નોધેલ નથી.