ખેરગામ: ગતરોજ ખેરગામના જાણીતાં સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભૂલાભાઈ પટેલ અને એમની સાથે રજુઆતમાં મોટી સંખ્યામાં સહી કરનાર આદિવાસી સમાજના લોકો દ્વારા દક્ષિણ ગુજરાતના જીલ્લા કલેકટરો પાસે 9 મી ઓગષ્ટ નિમિતે ઇમરજન્સી શાખાઓ સાથે નહીં સંકળાયેલ હોય એવા સરકારી/અર્ધ સરકારી/ખાનગી કર્મચારીઓ માટે જાહેર રાજાની માંગણી કરવામાં આવેલ છે.

આ બાબતે Decision News સાથે ડૉ નિરવ પટેલ વાતચીતમાં જણાવેલ કે વિશ્વમાં જળ,જંગલ અને જમીનની જાળવણી કરવી હશે તો વિશ્વએ આદિવાસી પદ્ધતિથી જીવનશૈલી અપનાવવી પડશે એવા વિચારો સાથે આદિવાસી સંસ્કૃતિઓનો ભવ્ય વારસો જળવાય રહે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વ આદિવાસી દિવસ જે દર વર્ષે 9 મી ઓગષ્ટે આવે છે, તે હવે માત્ર એક સામાન્ય દિવસ જ નહિ રહેતા આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના બિન આદિવાસી શુભેચ્છકો માટે એક ભવ્ય તહેવાર બની ગયેલ છે. દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લાઓમાં આદિવાસી સમાજ ની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં આવેલ છે.પરંતુ ભારત દેશ ઉત્સવપ્રિય હોવા છતાં અન્ય તહેવારોની જેમ 9 મી ઓગષ્ટના દિવસે જાહેર રજા નહિ હોવાના કારણે તમામ કર્મચારીઓ અને એના પરિવારજનોમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં ભાગ નહી લઈ શકવાને કારણે કચવાટની લાગણીઓ જોવા મળેલ છે.

આ બાબતે અમોને વારંવાર રજૂઆતો કરેલ છે.જેથી આવા અનેક કર્મચારીઓની લાગણીને માન આપી અમે દક્ષિણ ગુજરાતના તમામ કર્મચારીઓ માટે 9 મી ઓગષ્ટે કલેકટર શ્રીની કક્ષાએથી રજા જાહેર કરવામાં આવે એવી માંગ કરેલ છે જેથી અબાલવૃદ્ધ સહુ 9 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઇ શકે.