બારડોલી: બારડોલીથી ધુલિયા ચોકડી પર જતાં મીંઢોળા નદી પર પાંચ વર્ષ પૂર્વે બનેલા બે પુલ પૈકી એક પુલની એપ્રોચની દીવાલમાં મોટી તિરાડ પડતાં પુલની મજબૂતાઈ સામે લોકો સવાલો કરી રહ્યા છે. આ નદી પર વર્ષો પહેલા બનાવવામાં આવેલો જૂનો પુલ આજે પણ અડીખમ છે ત્યારે આ નવા પુલની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો કહી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ બારડોલીમાં નવા પુલની દીવાલમાં તિરાડ પડી ગઈ છે જો ધ્યાન ન આપવામાં આવે તો મોટી દુર્ઘટનાની આશંકા સેવાઈ રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નવા પુલની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચાર થયો છે. બારડોલી નજીકથી મીંઢોળા નદી પર વર્ષો જૂનો સાંકડો પુલ હોય આજથી પાંચ સાત વર્ષ પહેલા ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હતી. આ ટ્રાફિકના નિવારણ માટે વર્ષ-2016માં તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ સ્વ.સુરેશ પટેલના હસ્તે મીંઢોળા નદીના જૂના પુલની બંને બાજુ બે નવા પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 15 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પુલની 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુલના લોકાર્પણને હજી તો માંડ પાંચ વર્ષ થયાં છે ત્યાં તો તેની દીવાલો પર તિરાડ પડવા લાગી છે.
તિરાડ એટલી મોટી છે કે દીવાલનો એક આખો ભાગ જ અલગ થઈ ગયો છે. જો ધ્યાન ન આપવામાં આવે તો મોટી દુર્ઘટનાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં પણ ટ્રીટમેન્ટના નામે આ પુલ બંધ હોવાથી જૂના પુલ પરથી જ વાહનોની અવરજવર કરવામાં આવી છે.

