વલસાડ: ગતરોજ વલસાડના વેલવાચ ગામમાં ૬૦ વર્ષના કાકીને બચકું ભરીને તથા તેમની વહુને દીપડાએ પંજા મારી ગંભીર રીતે ઘાયલ કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં આ બંને ઇજાગ્રસ્ત મહિલાઓ ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના વેલવાચ ગામનાં કુંડી ફળીયામાં રહેતા મુકેશભાઈ પટેલનાં પત્ની મુકેશભાઈ પટેલનાં પત્ની મનિષાબેન પટેલ ઘરના આગળના ભાગમાં ખેતરમાં તરુ નાંખવાની કામગીરીમાં જોતરાયા હતાં. બાદમાં સાંજે 5.30 કલાકે મનિષાબેનની દીકરી નિરાલી પોતાના ઘરના પૂજાના રૂમમાં પહોંચતા ત્યાં દીપડો બેસેલો જોતા નિરાલીએ ઘરની બહાર બૂમ પાડતાં માતા દોડી આવી અને ઘરનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ દીપડાએ મનિષાબેન ઉપર હુમલો કરી પીઠના ભાગે બચકું ભર્યું. ત્યાર બાદ બહાર આવેલા દીપડાએ ઘરના ઓટલા ઉપર બેસેલા મનિષાબેનનાં કાકી કમલાબેનને મોઢા પર પંજો મારી ઘાયલ કર્યા હતા.
આ ઘટના ઘટયા બાદ લોકો ભેગા થઈ જતાં દીપડો ત્યાંથી ભાગી છુટ્યો હતો અને લોકોએ મનિષાબેન અને કમલાબેન બંનેને 108 ની મદદથી ધરમપુરની સાંઇનાથ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડી હતી. વેલવાચ ગામના સરપંચ અમરત પટેલે વલસાડ વન વિભાગને આવી ઘટના ગામમાં ફરી ન બને એ માટે દીપડાને પકડવા પાંજરું મૂકવાની માંગ કરી છે.

