વાંસદા: વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા કરાતા કામો મંડળીઓ પાસેથી કરાવવાની બાબતને લઈને બેઠક કરાઈ હતી જેમાં વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનું કહેવું હતું કે ગામમાં એકપણ મંડળી કે એજન્સીને કામ કરવા દઇશુ નહિ..

Decision News ને મળેલી માહિતી મુજબ સરપંચ એસોસિએશનના પ્રમુખ મનિષ પટેલ/ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ તથા ઘણાં ગામોના સરપંચોની હાજરીમાં વાંસદાના આયોજન સહ ટીડીઓ રાજેન્દ્રસિંહ પરમાર ગ્રામ પંચાયત કામો મંડળી કે એજન્સી પાસે ન કરાવતાં ગ્રામ પંચાયત પાસે જ કરાવવાને લઈને બેઠક કરવામાં આવી હતી. સરપંચોનું કહેવું હતું કે  વાંસદા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં 5 લાખ સુધીના વિકાસલક્ષી કામો ગ્રામ પંચાયત જ કરશે, જો આવું નહિ થાય તો અમે ગામમાં એકપણ મંડળી કે એજન્સીને કામ કરવા દેવાના નથી.

ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલનું કહેવું છે કે આ પહેલા વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી, પોતાનું ફાવતું ચલાવી ઠરાવ પસાર કર્યો કે ગ્રામ પંચાયતના વિકાસના કામો મંડળીઓ દ્વારા કરાશે જેને લઈને હાલમાં વાંસદાના તમામ ગ્રામ પંચાયતના સરપંચોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. સરપંચ એસોસિએશન દ્વારા વાંસદાના એટી.ડી.ઓ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે વિકાસના કામો મંડળીને અપાશે તો એક પણ બહારની મંડળી કે એજન્સીને પોતાના ગામમાં કામ કરવા દેવામાં આવશે નહિ.