નવસારી: સિકલસેલ એનિમિયા પ્રોગ્રામ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે મધ્યપ્રદેશના શાહદોલ ખાતેથી રાષ્ટ્રવ્યાપી "સિકલ સેલ એનિમિયા મિશન-૨૦૪૭ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મિશન હેઠળ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સિકલસેલ એનિમિયા નાબૂદી- 2047 કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદભોધન કરતાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૬ થી ગુજરાત રાજ્યના ૧૨ આદિજાતિ જિલ્લાઓમાં સિકલસેલ એનિમિયા નાબુદી માટેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. જેની સફળતા આજે આદિજાતિ જિલ્લાઓમાં જોઈ શકીએ છે. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું કે, સિકલસેલના દર્દીઓએ ડરવાની જરૂરત નથી કારણ કે આ વારસાગત બીમારી છે, કોઇ ચેપી રોગ નથી. અને સિકલસેલ એનિમિયા અંગે કોઇપણ મૂંઝવણ હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાની મુલાકાત ચોક્કસ લેવી એમ તેઓએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત નવસારીના જિલ્લામાં પ્રારંભિક તબકકામાં બે હજારથી વધુ દર્દીઓને સિકેલસેલ એનીમિયા જિનેટિક કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે જેના ટોકન સ્વરૂપે સ્ટેજ પરથી પાંચ દર્દીઓને જેનેટિક કાર્ડનું વિતરણ મહાનુભાવોને હસ્તે કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશથી માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમને ઉપસ્થિત સૌ મહાનુભવોએ તથા ગ્રામજનોએ લાઈવ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતાબેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, આલીપોર ગામના સરપંચશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને કર્મચારી તથા ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.