ધરમપુર: ગતરોજ ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે ચેકડેમો, કોઝવે ડૂબાણમાં ગયા છે અને ધરમપુરના રામવાડી તથા નગારીયામાં વૃક્ષો ધરાશયી થયા છે જ્યારે સ્ટેટ હોસ્પિટલ સામે પાણી ભરાઈ ગયા છે જેને પાલિકા વિભાગ અને ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ બોપી, કાકડકૂવામાં કુવા અને કરંજવેરી પ્રાથમિક શાળાની લગભગ 90 મીટર જૂની કમ્પાઉન્ડ દીવાલ વરસાદમાં પડી ગઈ છે. ઉલસપિંડી ચારણવાડી ફળીયામાં આવેલું કાચું મકાન ભારે વરસાદમાં તૂટી પડ્યું છે પણ સાવચેતીના પગલે કોઈ જાનહાની થઇ ન હતી. રાજપુરી જંગલ ગામે ગોમતીપાડા દૂધ ડેરી પાસે નાળું ડૂબી જવાથી રાજપુરી જંગલ, આવધા, સિદુમ્બર, લુહેરી ગામને જોડતો રસ્તો બંધ થઇ ગયો હોવાનું લોકો કહી રહ્યા છે.
ધરમપુરના સિદુમ્બરના SMSM હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા માટે સિદુમ્બર દુકાન ફળીયાથી ભતાડી ફળીયા તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી માન નદી ઉપરના આ કોઝવે ડૂબી જતા વિદ્યાર્થીઓને રાજપુરી જંગલ, આવધા થઈ આશરે દસ કિમી ફરીને જવું પડી રહ્યું છે.

