મહારાષ્ટ્ર: ગતરોજ બુલઢાણા જિલ્લામાં મોડી રાત્રે યવતમાલથી પુણે 33 મુસાફરોને લઈને જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ જેના લીધે બસમાં આગ ફાટી નીકળી હોવાની ઘટના બનવા પામી છે જેમાં 25 જેટલાં મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે 1.30 વાગ્યાના આજુબાજુ બુલઢાણા જિલ્લાના પિંપલખુટા ગામના સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર થયો હતો. પોલીસ જણાવી રહી છે કે 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના છે. બુલઢાણાના SP સુનીલ કડાસેનું કહેવું છે કે અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે. ડ્રાઈવરે જણાવ્યું કે અચાનક બસનું ટાયર ફાટ્યું અને બસ પલટી મારી ગઈ, જેના લીધે આગ લાગી ગઈ હતી. આ આગની ઘટનામાં 8 લોકોએ બસની બારી તોડી પોતાનો જીવ બચાવવામાં કામયાબ રહ્યા હતા.
આ બસમાં આગની દુર્ઘટનાને નજરે જોનારા સ્થાનિકોનું કહેવું છે બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પ્રથમ લોખંડના પોલને ટકરાઈ અને ત્યારબાદ કોંક્રીટ ડિવાઈડર સાથે ભટકાઈને પલટી ગઈ અને ડીઝલની ટાંકી ફાટી ગઈ જેના કારણે ડીઝલ રસ્તા પર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ. જોત જોતામાં આખી બસ આજ્ઞા ઝપેટમાં આવી હતી. બસનો દરવાજો નીચે દબાઈ જવાના લીધે મુસાફરો પાસે બસ બહાર નીકળવાનો કોઈ રસ્તો રહ્યો નહિ અને મુસાફરો આગની લપેટમાં આવી ગયા. બસમાંથી દાઝી જવાના લીધે મૃત્યુ પામેલાં 25 જેટલા મૃતદેહોને બહાર કાઢ્યા છે પણ ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બન્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બસમાં આગની દુર્ઘટનાને લઈને શોક પ્રગટ કરી મૃતકો અને તેમના પરિવારજનો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખ રૂપિયાની મદદ કરવાનું કહ્યું છે.

