નવીન: ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો મોટે ભાગે રેલ નીર પીતા હોવાનું જોવા મળે છે અને રેલવે તંત્ર પણ આ જ પાણી ખરીદવાનું કહે છે ત્યારે આ પાણી વિશે ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યા છે કે આ પાણીની તપાસમાં પોષક તત્ત્વોની ખામી છે એટલે કે આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર પશ્ચિમ રેલવેના વરિષ્ઠ આરોગ્ય અધિકારી નરેશકુમારે સુરત સ્ટેશનેથી 23 માર્ચ, 2023એ રેલ નીરના નમૂના તપાસ માટે લીધા હતા અને સુરત મહાનગરપાલિકાની હેલ્થ લેબોરેટરીમાં તેની તપાસ કરાવાઈ હતી. પાણીમાં ટીડીએસ લેવલ લિટરદીઠ 75થી 500 મિગ્રામ વચ્ચે હોવું જોઈએ પરંતુ ટીડીએસ લેવલ 50 એમજી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપાસ માટે લેવાયેલી પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ 12 સપ્ટેમ્બર, 2023 લખી હતી.

તપાસ અહેવાલમાં ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ (ટીડીએસ) ખૂબ ઓછા જોવા મળ્યા. ટીડીએસ ઓછા હોવાનો અર્થ એ કે પીવાના પાણીમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી છે. તેમાં શરીર માટે આ‌વશ્યક કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઊણપ જોવા મળી. પાણીને જરૂર કરતાં વધારે ફિલ્ટર કરવાને કારણે આ ઊણપ હતી. તેને કારણે ટીડીએસ ઘટીને 50 સુધી પહોંચ્યા જ્યારે 75થી 500 વચ્ચે હોવા જોઈએ.