રાજનીતિ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારી હેલિકોપ્ટર દ્વારા મણિપુરના ચુરાચાંદપુર પહોંચ્યા છે. ગુરુવારે તે હિંસાગ્રસ્ત ચુરાચાંદપુર રાહત કેમ્પમાં જવા માગતા હતા, પરંતુ પોલીસે તેમના કાફલાને લગભગ 34 કિમી પહેલા વિષ્ણુપુરમાં અટકાવી દીધો હતો.

પોલીસે કહ્યું હતું – રસ્તામાં હિંસા થઈ શકે છે. આ પછી તેઓ ઈમ્ફાલ પરત ફર્યા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિષ્ણુપુર જિલ્લામાં હાઇવે પર ટાયર સળગાવવામાં આવ્યા હતા અને કાફલા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અમને ડર છે કે આવી ઘટનાઓ ફરીથી બનશે સાવચેતીના કારણે રાહુલના કાફલાને વિષ્ણુપુરમાં રોકી દેવામાં આવ્યો હતો.

રાહુલ મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેવાના છે અને નાગરિક સમાજના નેતાઓને મળવાના છે. તેઓ 30 જૂન સુધી મણિપુરમાં રહેશે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. હિંસામાં અત્યારસુધીમાં 131 લોકોનાં મોત થયાં છે. એ જ સમયે 419 લોકો ઘાયલ થયા છે. 65,000થી વધુ લોકોએ તેમનાં ઘર છોડી દીધા છે. આગચંપીના 5 હજારથી વધુ બનાવો બન્યા છે. છ હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે.