વાંસદા: ખેડૂતોના જીવાદોરી સમાન ગણવામાં આવતાં કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખ અને મંત્રીને ભારત સરકારના જલ શકિત મંત્રાલયના સિંચાઇ મંત્રીના હસ્તે દિલ્લીમાં રાષ્ટ્રીય જલ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સિંચાઇ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, જયદીપ ધનગર, સેક્રેટરી પંકજકુમાર દ્વારા દિલ્હી વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય જલ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદાના કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેરની પિયત મંડળી અંબાચના પ્રમુખ છનાભાઈ પટેલ તથા મંત્રી રમણભાઈ પટેલને પોતાના વિસ્તારમાં પાણી વિતરણ માટે શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ વોટર યુઝર એસોસિએશનનો જલ પુરસ્કાર અપાયો હતો.

જળ પુરસ્કાર બેસ્ટ વોટર યુઝર એસોસિએશન અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરના ત્રણ પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યા જેમાં પ્રથમ ક્રમાંક ઘ સંજીવની પિયત સહકારી મંડળી ચોપડવાવ, દ્વિતીય હથુકા પિયત સહકારી મંડળી લિય હથૂકા તથા તૃતીય કેલીયા જમણાં કાંઠા નહેરની સહકારી મંડળી લિ. અંબાચ નવસારીને આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.