ભરૂચ: વર્તમાનમાં જ ભરૂચ જિલ્લા ભાજપના મહિલા મોરચાની એક હોદ્દેદાર વિરૂધ્ધ ભાજપના જ એક યુવા કાર્યકરે કરેલાં આક્ષેપો અને ચુંબન કરતા ફોટોગ્રાફ વાયરલ થતાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે પણ હાલમાં આ કિસ્સા વિષે ભાજપના નેતાઓ ચુપ્પી સાધી લીધી છે.
ભાજપની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક કાંડ બહાર આવી રહયાં છે. જેને લઈને ભાજપ પક્ષની બદનામી થઈ રહી છે. હાલમાં જ મહિલા મોરચાના અગ્રણીની યુવાન સાથે ચુંબન કરતાં ફોટોગ્રાફ સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે. ફોટોગ્રાફમાં દેખાતો યુવાન પણ પોતાને ભાજપનો કાર્યકર ગણાવી રહ્યો છે અને તેણે કરેલાં આક્ષેપ મુજબ તે 3 વર્ષ પહેલાં મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં બંને પ્રેમમાં પડયાં હતાં. આ ત્રણ વર્ષ દરમિયાન લગ્નનું નાટક કરી મહિલાએ લાખો રૂપિયા અને સોનું તેના પરથી પડાવી લીધુ છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ આ સમગ્ર ઘટનામાં ભાજપની અન્ય ત્રણ મહિલાઓના નામ પણ યુવાને ઉછાળ્યાં છે. યુવાનનો આક્ષેપ છે કે, મહિલા અગ્રણીની ઉંચી પહોંચ હોવાથી પોલીસ તેની ફરિયાદ લઇ રહી નથી. તસવીરો બાદ ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મળતી છેલ્લી માહિતી પ્રમાણે હોદ્દેદારે તેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભરૂચ ભાજપ વિવાદોના વમળોમાં ઘેરાઇ રહયું હોય તેમ લાગે છે. અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.

