રાજપીપળા: ગુજરાતના બહુલક આદિવાસી વસ્તી ધરાવતાં નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે રાજપીપલા નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે, જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાયાલય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય છે અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ અર્થે આવેલા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આવી કચેરીઓમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને અથવા ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા હોય છે. આવા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવાનો ઈરાદો રાખતા વ્યક્તિઓના કચેરીઓમાં પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો અમલ તા.12/06/2023થી 10/08/2023 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જે-તે સરકારી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

