ચીખલી: થોડા દિવસ પહેલા ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળવાનો કિસ્સો બન્યા પછી કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી નાયક ફાઉન્ડેશનનો કોન્ટ્રાકટ કેન્સલ કરી શાળાઓમાં જ ભોજન બનાવવાની વ્યવસ્થા ઉભી કરાઈ એવી માંગણી કરી છે.
Decision News નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈ.સી.પટેલ ઉપરાંત નટુભાઈ જેવા આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં લખ્યું કે સરકાર કુપોષણ દૂર કરવા માટે જાહેરાત સાથે કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે પરંતુ યોગ્ય પોષણક્ષમ આહાર આપવા કેટલી કાળજી રાખવામાં આવે છે, તેની તપાસ ક્યારેય નથી થતી. તેનો તાજો દાખલો પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન એજન્સીના કોન્ટ્રાકટર નાયક ફાઉન્ડેશન તરફથી તૈયાર કરેલા ભોજનમાં તાજેતરમાં ગરોળી નીકળવાની ઘટના બહાર આવી તે છે.
આવી ઘટનામાં તંત્ર દ્વારા પગલાં લેવાતા નથી. તાલુકાની મહત્તમ વસ્તી આદિવાસી અને ઓબીસી સમાજની છે ત્યારે આ સમાજના વિદ્યાર્થીઓ હોય ત્યારે સુનિયોજિત કાવતરાનો અંદાજ આવે છે. વિદ્યાર્થીઓને વારંવાર કીડા, મકોડા, ગરોળીવાળો ખોરાક ખવડાવવા માટે જાણી જોઈને નાયક ફાઉન્ડેશનને કોન્ટ્રાકટ આપ્યો નથી ? તેઓએ માંગ કરી છે કે વલસાડ અને ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન ત્યાં જ શાળાઓના તૈયાર થાય છે અને તાજુ ગરમાગરમ પીરસાય છે. ત્યારે તાલુકામાં નાયક ફાઉન્ડેશનનો કોન્ટ્રાકટ કેન્સલ કરી સ્થાનિક શાળાઓમાં જ વ્યવસ્થા ઉભી કરી બાળકોને સ્વાસ્થ્યપ્રદ ભોજન મળવા સાથે સ્થાનિકોને રોજગારી પણ મળી શકે. જો આમ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે.

