વાંસદા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારીના વાંસદા તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ વાંસદા તાલુકાના નાનીભમતી, મોટીભમતી અને હનુમાનબારી ગામના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. જ્યાં તેમણે કુલ ૪૪ ભૂલકાઓને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવ્યો હતો. નાના ભૂલકાઓ પ્રત્યે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સંવેદના અને વ્હાલ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે બાળકોને તેડી લઇ પ્રેમપૂર્વક ચોકલેટ ખવડાવી હતી અને શૈક્ષણિક કિટ્સ આપી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ એટલા માટે છે કે બાળકને શાળામાં આવવા માટે ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે. આજનો બાળક આ જ ગામનો શ્રેષ્ઠ નાગરિક બને એમને શાળા પ્રત્યે આદર જળવાઈ રહે. શિક્ષકો એ બાળકો હરીફાઈ કરાવીને એક, બે કે ત્રણ નંબર આપવાને બદલે નબળા બાળકો પ્રત્યે વિષેશ કાળજી રાખવી જોઈએ. અત્યારના સમયમાં વાલીઓએ બાળક સ્કૂલથી આવે પછી તેમની સાથે સ્કૂલમાં શું ભણાવ્યું તેવી ચર્ચા કરવી જોઈએ. જેથી બાળકોનો ઉત્સાહમાં વધારો થાય. ભણતર એ વિકાસ છે. ખાલી અભ્યાસ નથી. આપણે બધા એ સાથે મળીને જ્ઞાનની જ્યોત પ્રજવલ્લિત રાખી સહિયારો પ્રયાસ કરવો છે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શાળાઓની મુલાકાત દરમિયાન એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ગામોના સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.