અમદાવાદ: થોડા દિવસથી ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદોનું વંટોળ ઉઠયું છે. ગુજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અલગ અલગ અભ્યાસક્રમની ફીમાં બેથી ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરી મેનેજમેન્ટને ઈ-મેઇલ કરી ફી વધારો પાછો ખેચવા માંગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે ગુજરાત વિદ્યાપીઠની યુજી અભ્યાસની એજ્યુકેશનની ફી અને અન્ય ફી મળી 7 હજાર કરી દેવાઈ છે. જ્યારે પીજી અભ્યાસક્રમની 10 હજાર અને ડિપ્લોમા અભ્યાસક્રમની ફી 6 હજાર કરી દેવામાં આવી છે. પીએચડીની ફી 15 હજાર જેટલી કરી દેવામાં આવી છે. આ મુદ્દે વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું હતું કે, ફીમાં માત્ર 10થી 12 ટકા વધારો કરવામાં આવ્યો છે. ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓને મિસ ગાઈડ કરવામાં આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓનાં લખાણ એક સમાન છે. ફી વધારો નવા એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે છે. જૂના વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરશે તો તેમને જાણ થશે કે કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
જો ફી વધારો પાછો ન ખેંચાય તો આગામી દિવસમાં વિરોધ પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ ઉચ્ચારી રહ્યા છે.

