વાંસદા: આવું કહેવાય રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી અપાઈ હતી જેને કારણે કોંગ્રેસ 77 બેઠકો પરથી માંડ 17 બેઠકો જ જીતી શકી હતી ત્યારે હવે આવનાર લોકસભાની ચૂંટણી મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવા દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે,
સુત્રોના જણાવ્યા મુજબ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવી નવા નેતાની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સામે પણ ધારાસભ્યોમાં અંદરો-અંદર વિરોધ ઉભો થયો છે. ચાવડાથી નારાજ અમુક ધારાસભ્યો આગામી દિવસોમાં ભાજપ ભેગા થશે એવા અનુમાનો છે. આવા સમયે ચાવડાના સ્થાને નવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માટે પણ મનોમંથન થાય એવો ચિત્રો પ્રસ્તુત થયા છે.
વિધાનસભાના ચુંટણી પરિણામોથી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની નેતાગીરીથી અત્યંત નારાજ હોય એમ લાગી રહ્યું છે અને ગુજરાતની નેતાગીરી પર હાઈકમાન્ડને ભરોસો નથી દેખાતો. માટે નીતિન રાઉતની આગેવાનીમાં હાઈકમાન્ડે પોતે જ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી અને હારના સાચા કારણો જાણવા આ ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્યે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે ટિકિટ વહેંચણીમાં સોદાબાજીનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. આમ ટિકિટોના વેપલાના આક્ષેપો સંદર્ભે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટને પણ હાઈકમાન્ડે ગંભીરતાથી લીધો છે.