પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ : પારડી પારનેરા રસ્તા પર વાંકી નદી પર આવેલા માઈનોર પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ (૨૨માં)ની કલમ-૩૩ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

જે ડાયવર્ઝન મુજબ હવે અટકપારડીથી પારનેરા પારડી વાંકી ફળિયા/સુગર ફેકટરી જવા માટેના વાહનોએ વલસાડ ધરમપુર ચોકડીથી ને.હા.નં.૪૮ થઈ સુગર ફેકટરી થઈ જઈ શકશે. પારનેરા પારડી વાંકી ફળિયાથી અટકપારડી જવા માટેના વાહનોએ સુગર ફેકટરીથી ને.હા.નં.૪૮ થઈ વલસાડ ધરમપુર ચોકડીથી વલસાડ ધરમપુર રોડ થઈ અટકપારડી થઈ જઈ શકાશે. આ હુકમની તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી માઈનોર પુલ પરથી અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

આ સિવાય વલસાડ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે પુલના બંને છેડે વાહનો પ્રવેશી ન શકે તે માટે જરૂરી આડશો (બેરીકેટીંગ) કરી બંને છેડે વાહનો માટે પ્રતિબંધના બોર્ડ લગાવવાની વ્યવસ્થા કરવાની રહેશે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનેથી જરૂરી ટ્રાફિક નિયમન કરવાની કાર્યવાહી કરવાની રહેશે એવુ જાહેરનામામાં જણાવાયું છે.