નવસારી: વર્તમાનમાં ભારતમાલા અંતર્ગત નવસારી ચેન્નાઇ હાઈવે પણ છે. આજથી એક વર્ષ અગાઉ 19 મેના રોજ ભારતમાલા પ્રોજેક્ટનું કલમ 3 (એ) પેટાકલમ 1 નું જાહેરનામુ અખબારમાં નવી દિલ્હી 3 ડિસેમ્બર 2021 લખી પ્રસિદ્ધ કરાયું હતું પણ જાહેરનામાને વર્ષ પુરું થયું છતાં વાંધા સુનાવણી નહીં થઈ શકતા હવે નવુ જાહેરનામુ બહાર પાડવાની નોબત આવી છે.
ઉલ્લેખનીય છે કે આ જાહેરનામામાં 21 દિવસમાં વાંધા અરજી મંગાવાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વાંધા રજૂ થયા હતા. પણ મહત્વની વાત એ છે કે વાંધા સુનાવણીની પ્રક્રિયા પૂરી થઈ ન હતી. જાહેરનામું પ્રસિદ્ધ થયાને 1 વર્ષ પુરું થયું પણ પ્રક્રિયા પૂરી નહીં થતા હવે ઉકત જાહેરનામુ રદ ગણાશે. જો પ્રોજેક્ટ પુનઃ આગળ વધારવામાં આવવાનો હોય તો નવેસરથી કલમ-3એનું જાહેરનામું બહાર પાડવું પડશે.
હાલમાં આ પ્રોજેક્ટ મુદ્દે હાલ નવસારી જિલ્લામાં અવઢવની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પ્રોજેક્ટના લોક વિરોધના કારણે પ્રોજેક્ટ થશે કે નહીં યા પ્રોજેક્ટ થશે તો જગ્યા બદલાશે કે તે જ રહેશે તે મુદ્દો પણ સ્પષ્ટ નથી. એવું કહેવાય રહ્યું છે કે મામલો દિલ્હી મંત્રાલયમાં ઉભો છે. દિલ્હીના દિશાનિર્દેશની વાટ જોવામાં આવી રહી છે.

