પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ડોલવણ: આજરોજ વહેલી સવારે ડોલવણ તાલુકાના કેલવણ ગામમાંથી પુર ઝડપે જતાં ડ્યુક બાઈક સવારો પુલ પરથી 25 ફૂટ નીચે ખાબકતા ચાલકની પાછળ બેસેલા ડાંગનાં યુવાનનું મોત થયાનું બહાર આવ્યું છે જ્યારે ચાલકને ગંભીર ઈજા થવા પામી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વઘઈના ભદરપાડા ગામના ઉપલા ફળિયાના કાશીરામ ઝીપરા વાઘમારેના પુત્ર યાકુબ માંગરોળના વાંકલ ખાતે વોચમેન તરીકે નોકરી કરતો હતો. યાકુબ સાથે કામ કરતા મિત્રના ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી તે ભેંસકાત્રી લગ્નમાં આવ્યો હતો. રવિવારે 6 વાગ્યાની આજુબાજુ અમિત ડ્યુક બાઈક પર યાકુબને બેસાડી વ્યારા – ભેંસકાત્રી હાઈવે પરથી ભદરપાડા ગામમાં મુકવા જઈ રહ્યા હતા ત્યારે ડોલવણના કેળવણ ગામની સીમમાં અમિતે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતા બાઈક પુલ પરથી 25 ફૂટ નીચે કોંક્રિટ અને પથ્થરની બનેલી દીવાલ પર ખાબકતા યાકુબના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળ જ મોત થઈ ગયું હતું.

આ અકસ્માતમાં અમિતને નાની મોટી ઈજાઓ થયાના લીધે તેને સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક યાકુબના પિતાએ ડોલવણ પોલીસ સ્ટેશને અમિત ગામિત વિરૂદ્ધ અકસ્માતમાં મોતના ગુનાની ફરિયાદ નોંધાવી છે.