વાંસદા: શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે ત્યારે ટ્રાફિકનું નિયમન કરવા માટે TRB જવાનોને તૈનાત કરવામાં આવે છે. TRB જવાનો વાહન ચાલકોને અટકાવીને તેમની પાસે લાયસન્સ, વાહનોના ડોક્યુમેન્ટની માંગણી કરતા હોવાની ફરિયાદો સામે આવતાં ટ્રાફિક અને TRB જવાનને લગતી કેટલીક માહિતીઓ Decision News આપની સાથે શેર કરી રહ્યું છે.
જાણો એક TRB જવાનની કામગીરી શું હોય છે અને તેમની પાસે કેટલી સત્તા હોય છે
ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને જાહેર માહિતી અધિકારી જણાવ્યું કે TRB જવાન વાહનચાલક પાસેથી લાઈસન્સ-કાગળો માગી શકે નહીં. TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ, તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં ‘ટ્રાફિક વોર્ડન’ તરીકેની છે. TRB જવાનને પોલીસ ન કહી શકાય. ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.
TRB જવાનને લઈને લોકપ્રશ્નો..
TRB જવાન વાહનચાલકને રોકી દસ્તાવેજ માગી શકે ખરા ?
ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી. તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
TRB જવાન મેમો બનાવી શકે ખરા ?
તેમની પાસે એવી કોઈ સત્તા નથી. તેઓ વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.
TRB જવાનની ગેર વર્તુણકની ફરિયાદ ક્યાં કરી શકાય ?
TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય.
TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે ?
TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
TRB જવાનની ભરતી અને ડ્યૂટીની સમય મર્યાદા નક્કી હોય છે ?
TRB જવાનની 8 કલાકની રોજની ડ્યૂટી હોય છે તથા તેઓ અમદાવાદમાં થયેલ ભરતી મુજબ 3 વર્ષ ફરજ બજાવી શકે છે. TRB જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમકે લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)