વઘઈ: આદિવાસી વિસ્તારના વઘઈ ભારતીય પોસ્ટ ખાતામાં ડેઇલી કલેક્શન એજન્ટ કાજલબેન પટેલ દ્વારા ગ્રાહકોના પૈસા જમા નહીં કરાવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીબેન બાગુલ નામની મહિલાએ કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વઘઇ ભરવાડ ફળિયામાં રહેતી ભારતીબેન બાગુલ દ્વારા ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે તેઓ 2018માં વઘઇમાં પોસ્ટમાં રિકવરી એજન્ટ તરીકે કાર્યરત હતા પણ લગ્ન થતા રિકવરી એજન્ટની કામગીરી વઘઇના જ રાજેન્દ્રપુર ફળિયામાં રહેતી કાજલબેન પટેલને આપી હતી પણ કાજલે વર્ષ-2022માં ડેઇલી કલેક્શનના રૂપિયા પોસ્ટ જમા કરાવ્યા ન હતા. આ વાતની જાણ પોસ્ટ વિભાગના ડો. મહેતાએ ફોન કરીને ભારતી બેનને જણાવ્યું હતું. આ મામલાની તપાસ કરતા ખબર પડી કે છેલ્લા 6 માસથી ગ્રાહકો પાસેથી લીધેલા ડેઇલી કલેક્શનના રૂપિયા પોસ્ટમાં જમા ન કરાવીને કાજલબેને પોતે જ ખર્ચી નાખ્યાનું સામે આવ્યું.

ભારતીબેને આ મુદ્દે કાજલબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોના રૂપિયા તે છ મહિનામાં ચૂકવી દેશે પણ તેમ ન કરતાં ભારતીબેને વઘઈ પોલીસ સ્ટેશનમાં કાજલબેન વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોધાવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.