વલસાડઃ ૧૩ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના
અંતર્ગત રાજયના નગરો અને મહાનગરોના વિકાસ માટે શરૂ કરેલી આ યોજનાથી રાજયના નગરો અને મહાનગરોનો સમુચિત વિકાસ થઇ રહ્યો છે એમ આજરોજ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકાના રૂા. ૭.૧ કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજનના કાર્યક્રમ પ્રસગે જણાવ્યું હતું.
આ અવસરે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ, વી. આઇ. એ. ના પ્રેસિડન્ટ સતીષભાઇ પટેલ હાજર રહયા હતા. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યા પછી પીવાનું પાણી, સ્વચ્છતા અભિયાન કે કલાઇમેટ ચેન્જની વાત હોય એમ દરેક ક્ષેત્રમાં દેશના વિકાસ માટે કામ કરી રહયા છે. મંત્રીશ્રીએ કલાઇમેટ ચેન્જ બાબતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીનીવામાં મળેલ વૈશ્વિક બેઠકમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારત દેશમાં ઝીરો કાર્બન એટલે કે કોલસાનો વપરાશ થશે નહિં અને ઇ. સ. ૨૦૩૦ સુધીમાં ગુજરાત રાજયમાં ૫૦ ટકા રીન્યુએબલ એનર્જીનો વપરાશ થશે એમ જાહેર કર્યુ હતું તેનો ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીશ્રીએ ઉમરગામ નગરપાલિકાના વિસ્તારમાં અંદાજીત રૂા. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનારી અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગને કારણે ઉમરગામ શહેરમાં વીજથાંભલાઓ દૂર થશે અને નગરના રોડ સુંદર બનશે તેમજ વીજકાપ વિના વીજની ગુણવત્તા ટૂંક સમયમાં ઉમરગામના નગરજનોને મળશે એમ જણાવી રૂા. ૧.૭૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉમરગામ નગરસેવા સદનના લોકાર્પણ કર્યુ હતું.
આ નગરસેવાના મકાન માટે નગરપાલિકાના ભૂતર્પૂવ પ્રમુખોના યોગદાનનો આભાર વ્યકત કર્યો હતો. મંત્રીશ્રીએ નગરજનોને માટે રૂા. ૪.૧૪ કરોડના ખર્ચે તૈયાર થનાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનના અયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્લાન્ટનું અમલીકરણ સારી રીતે કરવા અને તેનું મોનીટરીંગ કરવા માટે નગરજનોને જણાવ્યું હતું. રૂા. ૧.૨૨ કરોડના ખર્ચે તૈયાર થનાર લોકમાન્ય ટિળક લાઇબ્રેરીમાં નગરજનો માટે સારા પુસ્તકો વાંચવા મળશે તેનો લાભ લેવા માટે નગરજનોને જણાવ્યું હતું.

