આહવા: ગતરોજ ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ ચિંચલી બાબુલઘાટમા ટેમ્પાના અકસ્માતોમાં ઇજા પામેલા વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ, તમામ મદદ અને સહયોગની ખાત્રી આપી હતી.

9 મેં 2023ના રોજ આશરે ૫-૩૦ કલાકે આહવા તાલુકાના ચિંચલી ગામે ચિંચલીથી મહારાષ્ટ્ર જતા રસ્તા પર મોટા દેવ દર્શન કરવા માટે આવેલ દર્શનાર્થીઓનો ટેમ્પો MH 04 EB 3291મા સવાર થઇને તેઓના વતન મહારાષ્ટ્ર પરત થતી વેળાએ ચિંચલી બાબુલઘાટ નજીક ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમા અંદાજીત ૧૦-૧૫ વ્યક્તિઓ સવાર હતા. જે પૈકી ૨-૩ લોકોને ગંભીર તેમજ અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેઓને આહવા હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચિંચલી બાબુલઘાટમાં ટેમ્પાના અકસ્માતના ઇજાગ્રસ્તો, તથા તેમના પરિવારોને રૂબરૂ મળવા પોતાના ચુનંદા અધિકારીઓ સાથે ધસી ગયેલા કલેકટરશ્રીએ, બનેલા બનાવની તલસ્પર્શી વિગતો મેળવી, અસરગ્રસ્તોને તમામ સહયોગની ખાત્રી આપી સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વેળા કલેકટર શ્રી મહેશ પટેલની સાથે ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા સહિત સિવિલના આર.એમ.ઓશ્રી ડો.રિતેશ બ્રહ્મભટ્ટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરશ્રીએ આ તમામ ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્યની કામના કરી હતી.