વલસાડ: વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ-૧૪૪ થી મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર વલસાડ જિલ્લામાં કોઇ મકાન/ દુકાન/ ઓફિસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકો અથવા તો સંચાલકોએ ખાસ સત્તા આપેલી વ્યકિત જ્યારે મકાન/દુકાન/ઓફિસ/ ઔદ્યોગિક એકમો ભાડે આપે છે ત્યારે નીચે જણાવેલ માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશને આ જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન ૨૦માં આપવાની રહેશે.

વલસાડમાં ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર તથા નાના- મોટા ધંધાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. આ ઔદ્યોગિક એકમ, ટ્રાન્સપોર્ટ, હોટલ રેસ્ટોરન્ટ, નાના-મોટા ધંધા અન્ય રોજગાર-વ્યવસાય, ભંગાર અને માલના ગોડાઉન વિગેરે જગ્યાએ મોટાભાગે પરપ્રાંતીય લોકો કામ કરે છે. આ તમામ પરપ્રાંતીય લોકો ઔદ્યોગિક વિસ્તાર તથા રહેણાંક સોસાયટી તથા સ્લમ/ચાલી વિસ્તારમાં ભાડેથી રહી વસવાટ કરે છે. જે પૈકી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો ગુનાહિત પ્રવૃતિને અંજામ આપી જિલ્લા/રાજય બહાર નાસી જતા હોય છે. પોલીસ તપાસ દરમ્યાન તેના રહેણાંકની જગ્યાએ તપાસ કરતા રૂમ/મકાનના માલિક દ્વારા જે તે વ્યકિતના ઓળખના પુરાવા સાથે ભાડા કરાર કરવામાં આવેલા હોતા નથી કે જે- તે રૂમ/મકાન ભાડા કરાર એક જ વ્યકિત સાથે કરવામાં આવેલા હોય છે. પરંતુ તેની સાથે રહેતા અન્ય મહિલા/પુરૂષના નામ-સરનામા, આધાર પુરાવા કે ફોટોગ્રાફસ કે મોબાઇલ નંબર વિગેરેની માહિતી મેળવવામાં આવતી નથી. જેના કારણે ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિતઓની ઓળખ થઇ શકતી નથી કે ખોટા અથવા બીજા વ્યકિતના આધાર પુરાવા આધારે વસવાટ કરતા હોય જેથી વ્યકિતની ઓળખ કે ધરપકડ થઇ શકતી નથી.

વલસાડ જિલ્લામાં ખાસ કરીને સગીર વયની છોકરીના અપહરણ, ભગાડી જવા કે સગીર બાળકો સાથે જાતીય અપરાધના બનાવોમાં રાજય બહારના વ્યકિતઓની સંડોવણી જણાઇ આવતા મહિલા બાળકો સાથે બનતા બનાવો તથા વ્યકિતઓની ઓળખ પ્રસ્થાપિત કરી ગુનાઓ અટકાવવા અને ગુનાઓ શોધવા જે-તે વ્યકિતના ઓળખના પુરાવા લીધા વગર રૂમ, મકાન, ચાલી, દુકાન, ગોડાઉન તથા રહેણાંક તરીકે ઉપયોગમાં લેવામાં આવતા દરેક સ્થળ કે જગ્યા ભાડેથી આપતા હોય છે. જેથી આવી રીતે ભાડેથી રહેણાંકની સુવિધા પુરી પાડતા જગ્યા/મકાનના માલિક ઉપર નિયંત્રણો લાવવા જરૂરી છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સપેકટર કે તેથી ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.