વલસાડ: આજરોજ વલસાડ-ખેરગામ રોડ નવીનીકરણનું કામ વનવિભાગએ બંધ કરાવતા સરપંચોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે કલવાડા ખાતે ભાવિ રણનીતિ નક્કી કરવા માટે એક બેઠકનું આયોજન કરાયું છે.

8 વર્ષ બાદ નવીનીકરણ થઈ રહેલો વલસાડ ખેરગામ રોડનું કામ વલસાડ સામાજિક વનીકરણ વિભાગે ફોરેસ્ટ ક્લિયરન્સ મળ્યું ન હોવાનું જણાવી અટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે ચોમાસુ નજીકમાં છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિ સર્જાય એમ છે જેને લઈને 35 ગામના સરપંચોએ એક અઠવાડિયામાં રોડનું કામ શરૂ ન થાય તો નેશનલ હાઇવે નં. 48 પર ચક્કાજામ કરવાનું અલ્ટીમેટમ વલસાડ કલેકટરને આપી દીધું છે.

વલસાડ માર્ગ મકાન વિભાગએ અલ્ટીમેટમ પછી વન વિભાગ પાસે હંગામી મંજૂરી માંગી છે. પણ કામ શરૂ થયું નથી. જેના કારણે વલસાડ-ખેરગામ આ રોડ પર અવરજવર કરતાં લોકોમાં હાલાકી પડી રહી છે. માટે વલસાડ-ખેરગામની મધ્યે આવેલાં કલવાડા ચાર રસ્તા ખાતે આવતીકાલે 7 મેં 2023 ના રોજ સવારે 10:00 કલાકે આગામી રણનીતિ કરવા માટે એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચો, માજી સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.