વલસાડ: ધરમપુર તાલુકો એ આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે, જેમાં 108 જેટલા ગામો આવેલા છે, આદિવાસી અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સુવિધા મેળવવા માટે શહેર સુધી જવું પડતું હોય છે, ત્યારે ગરીબ આદિવાસી લોકો માટે નિઃશુલ્ક એક્સ રે કઢાવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના અંતરિયાળ વીસ વિસ્તારમાં ગ્રામ ઉત્થાનના કામો કરતી સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને આરોગ્ય સુવિધા સરળતાથી મળી રહે એ માટે અંતરીયાળ વિસ્તારનાં લોકોને એક્સ રે કઢાવવા માટે શહેર સુધી ન જવું પડે અને પોતાના નજીકના જ વિસ્તામાં સારી સુવિધા મળી રહે એ હેતુથી અધતન ટેકનોલોજી ધરાવતું એક્સ રે મશીનની સુવિધા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિંડવળ ખાતે રોટરી કલબ ઓફ સુરત-તાપી, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના સયુંકત ઉપક્રમે ઉપલબ્ધ કરાવી છે.

રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિંડવળ ખાતે હવે અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં લોકોને નિઃશુલ્ક એક્સ રે કાઢી આપવામાં આવે છે. મહત્વનું છે કે આ એક્સ રે મશીન મેન્ટેનન્સ, એક્સ રે ટેકનીશીયનનો પગાર સહિતનો તમામ ખર્ચ લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ ઉપાડી રહી છે.