ગુજરાત: વર્તમાન સીમાંકન મુજબ અગામી વર્ષ 2024માં યોજાનારી લોકસભાની આ છેલ્લી ચૂંટણી હશે ત્યાર બાદ બાદ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા- ECI લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના નવા સીમાંકનો માટે આયોગ રચશે.
વર્ષ 2026માં ECI દ્વારા શરૂ થનારી નવા સીમાંકન માટેની આ પ્રક્રિયામાં લોકસભામાં વર્તમાન બેઠકો 543થી વધીને જો 800એ પહોંચશે તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા પણ 26થી વધીને 42 આસપાસ રહશે એવુ પ્રારંભિક અનુમાન છે.
લોકસભાના વર્તમાન સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પૂર્ણ થવાની છે. બીજી તરફ નવી દિલ્હીમાં નવુ સંસદ ભવન તૈયાર થઈ રહ્યું છે, લોકાપર્ણની ઘડીઓ ગણાઈ રહી છે. આ નવનિર્મિત ભવનમાં લોકસભામાં સાંસદોની બેઠક ક્ષમતા 888 બેઠકો રખાઈ છે. રાજ્યસભામાં 384 બેઠક ક્ષમતા છે. આથી, ECI દ્વારા વર્ષ 2026માં નવા સીમાંકન માટે નવું આયોગ રચાશે ત્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદોની સંખ્યા 11ને બદલે 17 આસપાસ રહેશે એમ કહેવાય છે. વર્ષ 2027માં નવી સીમાંકન અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતમાં 16મી વિધાનસભાની ચૂંટણી યોજાશે. આથી, રાજ્યમાં વિધાનસભાની બેઠકો પણ 182થી વધીને 230 ને પાર થવાની શક્યતા દર્શાવાય છે.

