નવસારી : રૂ.૧૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી નગરપાલિકા વિસ્તાર સહિત આસપાસના ૨૧ ગામોને પીવાનું મીઠું પાણી મળશે. જેમાં નવસારી નગરપાલિકા સહિત વિરાવળ, ચોવીસી, કબીલપોર, કાલીયાવાડી, ધારાગીરી, મોલધરા, વિરવાડી, તરસાડી, ખેરગામ, કુરેલ, વચ્છરવાડ, ઓણચી, ભટ્ટાઈ, દંડેશ્વર, કસ્બાપાર, આમરી, આમડપોર, તેલાડા, પીનસાડ, પેરા અને સુપા ગામનો સમાવેશ થાય છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાની અંદાજે ૪૨૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. પૂર્ણા નદીમાં અંદાજે ૧૮ કિ.મી. લંબાઈમાં મીઠા પાણીનો સંગ્રહ થશે. ભૂગર્ભ જળ તથા તેની સપાટી ઊંચી આવવા સાથે રિચાર્જમાં વધારો થશે.

દરિયાઈ ભરતીના પાણી નદીમાં પ્રવેશતા અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ ઘટશે અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે.