દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નાગરિકોના સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજોને તેમના આધાર નંબર સાથે જોડવાની માગણી કરતી અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર, કાળું નાણું અને ‘બેનામી’ વ્યવહારોને રોકવા માટે સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજોને આધાર સાથે જોડવા માંગે છે.
એક જનહિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ સતીશ ચંદર શર્મા અને યશવંત વર્માની ડિવિઝન બેંચે સોમવારે નાણા મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ સતીશ ચંદર શર્માએ દિલ્હી સરકાર અને ગૃહ મંત્રાલયને આ અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે વધુ સમય આપ્યો હતો અને કહ્યું હતું કે,’અરજીમાં સારા કારણોસર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.’ અગાઉ કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને અરજદારને આ અરજીમાં ફેરફાર કરવા અને આ મામલે વધુ સંબંધિત મંત્રાલયોને સામેલ કરવા જણાવ્યું હતું.
આ કેસમાં એડવોકેટ મનીષ મોહન અને એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો સરકાર પ્રોપર્ટીને આધાર સાથે લિંક કરશે તો તેનાથી 2 ટકા વાર્ષિક ગ્રોથ થશે. આનાથી ચૂંટણી પ્રક્રિયા સાફ થઈ જશે, જેમાં કાળું નાણું અને બેનામી વ્યવહારો ખૂબ જ પ્રચલિત છે. આ કાળા રોકાણના ચક્રને પ્રોત્સાહન આપે છે, અપ્રમાણિક પણે સત્તા પર કબજો કરે છે, આ બધું નાગરિકો માટે તિરસ્કાર સાથે છે.