આહવા: છેલ્લા એક દસક પહેલા શરૂ થયેલી દિવડયાવનના ખેડુતોએ અપનાવેલી મધમીઠા તરબૂચની ખેતી, આજે ડાંગના સીમાડા ઓળંગીને પાડોશી તાપી તથા નવસારી જિલ્લાના ખેડુતોના ખેતરો સુધી વિસ્તરી ચૂકી છે એમ કહી શકાય છે.
ડાંગ જિલ્લામાં દિવડયાવન ગામના મહેનતકશ ખેડુત શ્રી મધુભાઈ ગાવિતે સને ર૦૧૧-૧ર માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અને તજજ્ઞોના માર્ગદર્શન તળે તરબૂચની ખેતી તરફ સાહસિક તરફ કદમ માંડયુ. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી. એટલુ જ નહી તેમની સફળતા જોઈને આખુ દિવડયાવન અને આસપાસના ખાતળ, માછળી, ભાલખેત, ચિકાર જેવા ગામોએ પણ તરબૂચની ખેતી અપનાવી, અને સફળ પણ થયા છે.
પુર્ણા નદીના પટમાં આવેલા આ ગામોમાં તરબૂચના રોકડીયા પાકને કારણે ખેડુતોના જીવન ધોરણમાં ખાસ્સો એવો બદલાવ આવ્યો છે તેમ જણાવતા શ્રી મધુભાઈ ગાવિતે ડાંગ ઉપરાંત તાપી, નવસારી, સુરત જેવા જિલ્લાના વેપારઓ, ખેડુતોના ખેતરે આવીને તેમનો પાક ખરીદી જાય છે તેમ કહયુ હતુ. ટનના ૧ર૦૦ થી ૧૬૦૦ રૂપિયા સુધીના ભાવે દિવડયાવન તથા આસપાસના ગામોના તરબૂચ વેચાઈ રહયા છે તેમ પણ તેમણે હોંશભેર જણાવ્યુ હતુ.
ડાંગના ઘણા ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી, જિલ્લામાં તરબૂચ પાકનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વધારવાનો પ્રયાસ અહી સો ટકા સફળ થયો છે તેમ જણાવ્યુ હતું. કૃષિ, કૃષિ ઉત્પાદન અને કૃષકોના વિકાસને કેન્દ્રમાં રાખી આ યોજનાનું સફળ અમલીકરણ, ડાંગ જિલ્લાના ખેડુતો તથા તેમના ખેતરોનો કાપાકલ્પ કરી રહી છે.