નવસારી : આજે રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લાના કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, નવસારી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં આ પરીક્ષા તા. 09-04-2023 ના રોજ બપોરે 12:30 કલાક થી 01:30 કલાક દરમ્યાન નવસારી જિલ્લાના 75 પરીક્ષા કેન્દ્રોના 901 વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં કુલ 27030 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે હેલ્પલાઈન નં. 02637-257477 પર સંર્પક કરી શકાશે.
જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડના પ્રતિનિધિ 80 , કેન્દ્ર સંચાલક 75 , સીસીટીવી ઓબ્ઝર્વર 75, સુપરવાઈઝર 291, ખંડ નિરિક્ષક 1017, કલાર્ક 116 તથા પોલીસ ગાર્ડ 375 ને સંબંધિત ફરજો માટે નિમણૂંક કરાયા છે. આ ઉપરાંત ૨૮ ફ્લાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આમ કુલ ૨૫૦૫ અધિકારીઓ/કર્મચારીઓને ફરજ પર નિયુકત કરાયાં છે.
જિલ્લાના દરેક કેન્દ્ર પર તમામ ઉમેદવારોનું નિયમોનુસાર ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. તથા ફાળવેલા વર્ગખંડમાં ઉમેદવારોએ સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ, ફોટો ઓળખકાર્ડ તથા બોલપેન સાથે પ્રવેશ કરી શકશે. ઉમેદવારે પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, ડીજીટલ/ સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર અન્ય સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ છે. સદર પરીક્ષા અંતર્ગત કોઇપણ વ્યકિત ગેરરિતી આચરશે તો તેને ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક-2023 તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અંતર્ગત કાયદાકીય જોગવાઇ મુજબની શિક્ષા કરવામાં આવશે. સાથે જિલ્લા કલેકટરશ્રીએ તમામ ઉમેદવારોને આ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.