નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આજે કલેકટર કચેરી, નવસારીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ.૯૫૬ લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને જરૂરિયાત મુજબ વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તેમણે ખાસ તાકીદ કરી હતી. વધુમાં સંસદસભ્યશ્રીની ગ્રાન્ટ સંબંધિત કામો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન જિલ્લા કલેકટરશ્રીને કર્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર , ધારાસભ્યો સર્વશ્રી આર.સી.પટેલ ,રાકેશ દેસાઈ,નરેશભાઈ પટેલ,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

