ધરમપુર: ગતરોજ ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકી ચવરા રોડ પર રૂપિયા 8.00 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખડકી ચવરા અને બોર્ડર વિલેજના ગામો માટે ખુલ્લો મુક્યો હતો.

ચવરા ખાતે યોજયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસની કેડી કંડારી છે તેને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આગળ વધારી રહ્યા છે. ત્યારે ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા બોર્ડર વિલેજના ખડકી, માધુરી, ચવરા, ખોબા, ખપાટીયા, સાતવાંકલ અને તૂતરખેડના ગામોની અંદાજીત 4200 ની વસ્તીને નાસિક જવા- આવવા માટે 20 કિમીનો ચકરાવો ઘટશે આ ઉપરાંત ધરમપુર તાલુકા મથકે જવા આવવામાં સરળતા રહેશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે વલસાડના સાંસદ ડો.કે. સી. પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિખિલ પાંચાલે મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ તૈયાર થયેલા આ બ્રિજની રૂપરેખા આપી હતી. આ કાર્યકર્મમાં ચવરા અને આસપાસના ગ્રામ્યજનો હાજર રહ્યા હતા.