મહુવા: શાળાના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મહુવાના ગુણસવેલ ખાતે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો એક વર્ષ સુધી ભૌતિક સુવિધા સભર આલીશાન બંગલામાં અભ્યાસ કરશે વાતોએ ચર્ચા કુહુતલ મચાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ગુણસવેલ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય સાથે 10 જેટલા શિક્ષકોનો સ્ટાફ છે તો ૨૬૫ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગુણસવેલ ગામે હાલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આધુનિક શાળાનું મોડેલ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગુણસવેલ ગામની પ્રાથમિક શાળાના મકાનને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

નવા મકાનના નિર્માણ પહેલા જુના મકાનને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ શાળાના આચાર્ય માટે વિકટ પ્રશ્ન ઉભો થયો કે શાળાના મકાન માટે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં ઉભી કરવી ?. ભારે અસમંજસ વચ્ચે એસએમસીના સભ્યો સાથે ચર્ચા બાદ તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ મિસ્ત્રીને જાણ કરવામાં આવી.તેમની વચ્ચે થયેલ ચર્ચા વિચારણા બાદ ગામના નાગરિક અને સેવાભાવી એવા જગદીશભાઈ પ્રજાપતિ એ બાળકોના અભ્યાસ માટે પોતાનો આલીશાન બંગલો વાપરવાની મંજૂરી આપી દીધી. હાલ દૂરથી જોતા જ રાજમહેલ જેવો બંગલામાં ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો વધુમાં માલિક દ્વારા બાળકો માટે શુદ્ધ ફિલ્ટર પાણી મળી રહે, ૨૪ કલાક વિજપાવરની સુવિધા, સીસીટીવી કેમેરા સહિત તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી છે. હવે એક વર્ષ સુધી આલીશાન બંગલામાં જ બાળકો અભ્યાસ કરશે. શિક્ષણ પ્રત્યેના લગાવ અને બાળકો માટે પોતાનું આલીશાન ઘર આપનાર જગદીશભાઈ પ્રજાપતિએ માનવતાની મહેક પ્રસરાવી છે ત્યારે તેમની આ સેવાકીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.