આહવા: ઈમાનદારી જ માનવતા જીવંત હોવાની ક્યારેક ગવાહી આપે છે તેમ એસ ટી તંત્ર અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાને ઉજાગર કરતો આહવા એસ ટી ડેપોને કિસ્સો પ્રકાશમા આવતા “ સલામત સવારી, એસ ટી અમારી “ સૂત્ર સાર્થક થવા પામ્યુ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 23 માર્ચ 2023ના રોજ રાત્રે 8:30 કલાકે અમદાવાદ થી આહવા માટે ઉપડતી એસ ટી બસમા એક પરિવાર અમદાવાદ થી વડોદરા સુધી ની મુસાફરી માટે પોતાના જરૂરી સામાન સાથે બસમા સવાર થઈ વડોદરા પોતાની મુસાફરી પૂર્ણ કરી બસમા થી ઉતરી ગયા બાદ, ઘરે જઈ પોતાનુ સામાન તપાસતા રોકડ રકમ સહિત અગત્યના સામાન સાથે એક મહિલાનું પર્સ ક્યાંક ખોવાઇ જવાની જાણ થતા મુસાફરો ચિંતામા મુકાયા હતા.

અમદાવાદ-આહવા રૂટની બસના ફરજ ઉપરના કંડકટર કર્મચારી શ્રી સોલંકી રાજેશકુમાર લક્ષમણસિંહ આહવા, ડેપો કંડકટર બેજ.નં 54A ની સમય સુચકતા થી ખોવાયેલપાકીટ તેઓના કબજામા આવતા, સહી સલામત આહવા ડેપો ખાતે જવાબદાર અધિકારીને જમા કરાવ્યુ હતુ. આહવા એસ ટીના કર્મચારીઓ દ્વારા માલસામાન અંગે તપાસ કરી મહિલાને જાણ કરી હતી. સાથે ખોવાયેલ પર્સ સહી સલામત એસ ટી ડેપો આહવા ખાતે છે તે અંગેની જાણ પણ મહિલાને કરવામાં આવી હતી. મહિલા દ્વારા સામાનની ઓળખ કરી તમામ ચીજ વસ્તુ તેમજ રોકડ 10,000 ની મત્તા સહી સલામત મેળવી ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આહવા ડેપો મેનેજર શ્રી પરમાર તેમજ કંડકટર કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.