ચીખલી : ખાંભડા ગામે જર્જરિત રસ્તાનું નવિનીકરણ નહી થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણીના બહિષ્કારની રજૂઆત ગ્રામજનોએ સરપંચને કરતાં આ અંગેની જાણ સરપંચ દ્વારા કલેકટરને કરી સુખદ નિરાકરણ માટે ની માંગ કરવામાં આવી છે. સને ૨૦૧૦ રજૂઆતો કરવા છતાં નવીનીકરણ નહી.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલી તાલુકાના ખાંભડા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ખાંભડા ગામે ત્રીજા માઈલથી સાદડવેલ જતો અંદાજે ચાર કિલો મીટર લંબાઈનો અને પટેલ ફળિયા લાઈબ્રેરી તરફ જતો દોઢેક કિલોમીટર લંબાઈનો રોડ ખૂબ જર્જરિત હાલતમાં છે. આ રસ્તાના નવીનીકરણ માટે સરકારના માર્ગ મકાન વિભાગમાં વર્ષ – 2010થી અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈક કારણોસર આ રસ્તા બનતા નથી. જેને લઈને ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆતો કરી આ રસ્તાઓ બનાવવામાં નહી આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે પણ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

આમાં ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા જર્જરિત રસ્તાઓનું નવીનીકરણ નહી થાય તો આગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની રજુઆત અંગેની જાણ સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને કરી સુખદ નિરાકરણની માંગણી કરવામાં આવી છે.