વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડીમાં આવેલી કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર વલસાડના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલેશ બી. કુકડીયાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા નીતાબેન રાજેન્દ્રભાઈ પરમારનું મકાનને એપી સેન્ટર વિસ્તાર તરીકે જાહેર કરી તેમના મકાનનો તમામ હદ વિસ્તાર કલસ્ટર કન્ટાઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મકાનના તમામ રહેવાસીઓને રાશન અને આવશ્યક ચીજ વસ્તુઓની વ્યવસ્થા વલસાડ નગરપાલિકાએ કરવાની રહેશે. તમામ રહેવાસીઓનું સ્કીનીંગ આરોગ્ય ટીમ દ્વારા કરવાનું રહેશે. આ હુકમની અમલવારી 27 માર્ચ 24 કલાક સુધી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 60 જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટ અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી/પ્રાઈવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યકિત કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા આવશ્યક સેવાઓ માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવા વ્યકિતઓને તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.