વઘઈ: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રાયસો સાથે ‘સખી મંડળો’, ‘સ્વ સહાય જુથો’, ‘મિશન મંગલમ’ જેવી યોજનાઓની શરૂઆત થઇ છે. રાજ્યની અનેક મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની આત્મનિર્ભર બની રહી છે.

ડાંગ જિલ્લાના વધઇ ખાતે વર્ષ 2018થી શરૂ કરાયેલી વન વિભાગ પુરસ્કૃત શુદ્ધ અને સાત્‍વિક ભોજન પુરુ પાડતા નાહરી કેન્દ્રની શરૂઆત, પ્રવાસીઓને પ્રાકૃતિક ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરવામા આવી હતી. મહિલાઓ સંચાલીત નાહરી કેન્દ્ર દ્વારા ડાંગની બહેનો આર્થીક રીતે સદ્ધર બની છે. કુલ 12 બહેનો વઘઇના નાહરી કેન્દ્ર સાથે જોડાઇ, આર્થિક આજિવીકા મેળવી રહી છે.

નાહરી કેન્દ્રના સંચાલક શ્રીમતી રંજીતાબેન જણાવે છે કે, સામાન્ય દેખાતુ નાહરી કેન્દ્ર અનેક મહિલાઓ માટેની આજીવિકાનું સાધન છે. વધઇની વિધવા બહેનો તેમજ આર્થીક જરૂરીયાત ધરાવતી મહિલાઓ માટે ઉત્તમ રોજગારી માટેનુ આ પુરક અને ચાલકબળ બની રહ્યું છે. વધઇના નાહરી કેન્દ્ર ઉપર સૌ કોઇ પ્રવાસીઓ અચુક જમવાનું ચુકતા નથી. અહીંની મહિલાઓ ખૂબ પ્રેમથી સ્વાદિષ્ટ ડાંગી ભાણુ પ્રવાસીઓને પીરસે છે. ડાંગ જિલ્લાને આર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે આ જિલ્લાની ઓળખ સમી નાગલી, અડદની દાળ, ભુજીયુ, નાગલીના પાપડ વગેરેનો આસ્વાદ માણવા પ્રવાસીઓ આ નાહરી કેન્દ્રની મુલાકાત લેતા હોય છે. વધઇના નાહરી કેન્દ્રમા સખી મંડળની બહેનો દ્વારા ડાંગી થાળી ઉંપરાત નાગલીના પાપડ, વાંસનુ અથાણુ, લાલ લીલી ચટણી, નાગલીનો લોટ તેમજ નાગલીમાંથી બનતી વિવધ પ્રોડક્ટ વેંચીને આવક મેળવવામાં આવી રહી છે.

રંજીતાબેન જણાવે છે કે, ડાંગી થાળીનો આસ્વાદ માણી પ્રવાસીઓ ધેલા થયા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરે છે.

BY- માહિતી વિભાગ ડાંગ