ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરદાર વિદ્યાલય – આહવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મુલાકાત લઇ શિક્ષણ તેમજ પ્રાથમિક સુવિધાઓનો તાગ મેળવી શિક્ષકોને ઉપયોગી માર્ગર્શન પુરૂ પાડ્યુ હતુ. આ શાળામા મુખ્ય શિક્ષક સાથે કુલ 11 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શાળામા અત્યાધુનિક શિક્ષણના કારણે બાળકોની સંખ્યામા ઉતરોતર વધારો થઈ રહ્યો છે. હાલ શાળામા 382 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા બે વર્ષમા ખાનગી પ્રાથમિક શાળાના 70 જેટલા બાળકોએ આ શાળામા પ્રવેશ મેળવ્યો છે.
શાળાના આચાર્ય, શિક્ષકો, અને એસએમસીના પ્રયત્નો થકી આજે બાળકોની હાજરી સરેરાશ 88 થી 90% રહેવા પામે છે. બાળકોની હાજરી સુધારવા દરેક શિક્ષકો દરેક બાળકો પર વ્યક્તિગત ધ્યાન આપી રહ્યા છે. તમામ બાળકોના એફ. એલ. એન. (વાંચન લેખન ગણન) કૌશલ્યમા 91% જેટલી સિદ્ધિ જોવા મળેલ છે. અહીં એફ. એલ. એન. કૌશલ્યના સુધારા માટે શાળા સમય પહેલાં 9 વાગ્યાથી અલગ અલગ ક્લાસ ચલાવવામાં આવે છે. શાળામા બાળકોની હાજરી, એફ. એલ. એન. કૌશલ્ય તેમજ શિક્ષકો દ્વારા થતું અધ્યયન અધ્યાપન કાર્ય અને શાળાના સારા પ્રયાસોના પરિણામે શાળાએ છેલ્લા ત્રણ ગુણોત્સવમા A ગ્રેડ પરિણામ હાંસલ કરેલ છે. આ શાળાની સ્કૂલ ઓફ એકસીલન્સમાં પણ પસંદગી કરવામાં આવી છે.
પ્રથમ સત્રાંત કસોટીમાં ધોરણ 3 થી 8 ના 40% થી ઉપર શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા બાળકો 89% છે. તેમજ 80% થી ઉપર શૈક્ષણિક સિધ્ધિ ધરાવતા બાળકો સરેરાશ 60% છે. શાળામા પ્રજ્ઞા સિવાય તમામ વર્ગખંડો ડિજિટલ વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. સામાન્ય શિક્ષણની સાથે ઈ-કન્ટેન્ટ દ્વારા બધા વર્ગોમાં કમ્પ્યુટરના માધ્યમથી, ઓડિયો વીડિયો ના માધ્યમથી પણ શિક્ષણ આપવામા આવે છે. અહિ શાળાના પાંચ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષકો તરીકેનુ સન્માન પ્રાપ્ત થયેલ છે. શાળાની કામગીરી જોતા શ્રી ઠાકરેએ આચાર્ય શ્રી મહેશભાઈ તેમજ તેઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
BY માહિતી વિભાગ ડાંગ

