ધરમપુર: જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ સાથે ગુજરાત સરકાર ગરીબો અને વંચિતોનો વિકાસ કરી તેઓને સન્માનજનક જીવન જીવવા માટે આવાસથી માંડીને નિઃશુલ્ક વીજ જોડાણ પણ આપી રહી છે. આવા જ એક અનુસૂચિત જાતિના લાભાર્થી વલસાડના ધરમપુર તાલુકાના છે કે જેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ પાકા મકાનનો અને કુટિર જ્યોતિ યોજના હેઠળ નિઃશૂલ્ક વીજ જોડાણનો લાભ મેળવ્યો છે.
ધરમપુર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અને ધરમપુરમાં કૈલાસ રોડ પર વાલ્મિકી નગરમાં રહેતા સંજ્યભાઈ નાનુભાઈ સોલંકીને પરિવારમાં 2 દીકરી અને એક દીકરો છે. જેમાં મોટી દીકરી રોશનીને સાસરે વળાવી દીધી છે. હાલમાં તેઓ બીજી દીકરી ગાયત્રી, દીકરો મીહિર અને પત્ની નયનાબેન સાથે રહે છે. સરકારી યોજનાના લાભથી તેમના જીવન ધોરણમાં કેવી રીતે અને કેવો બદલાવ આવ્યો.
સંજયભાઈ કહે છે કે, પહેલા કાચા ઘરમાં છત પણ પતરાની અને દિવાલ પણ પતરાની હતી. જેમાં ચોમાસા દરમિયાન વરસાદ, વાવાઝોડુ અને રેલના પાણી ભરાઈ જતા હતા, ઉનાળાની કાળઝાળ ગરમીમાં અસહ્ય તાપ પડતો હોવાથી ઘરમાં બે ઘડી શાંતિથી રહી શકાતુ પણ ન હતું અને શિયાળામાં કાચા ઘરમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. પાકુ ઘર બનાવવા માટે પૂરતા પૈસા ન હતા. નોકરીમાંથી જે પણ આવક આવે તે ઘર ખર્ચ અને બાળકોને ભણાવવામાં જ ખર્ચાઈ જતી હતી. જે બચત હતી તે મોટી દીકરીના લગ્ન પ્રસંગમાં વપરાઈ ગઈ હતી. આ સંજોગોમાં પોતાનું પાકુ ઘર બનાવવાનું સપનુ પણ જોઈ શકાય તેમ ન હતું. એક દિવસ પાલિકામાં સફાઈ કામ કરતા હતા ત્યારે એક સિનિયર સાથી મિત્રએ કહ્યું કે, પાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે જેથી તુરંત જ ફોર્મ ભરી દીધુ અને ૩ માસ બાદ વર્ષ ૨૦૧૯- ૨૦માં એક બે લાખ નહીં પરંતુ સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય ઘર બનાવવા માટે મંજૂર થઈ. જે હકીકતમાં મારા માટે ખુલ્લી આંખે જોયેલા સપના સમાન હતું.
સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, આવાસ યોજનાની સહાય મળી ન હોત તો મારુ પાકુ ઘરનું સપનું સાકાર થયુ ન હોત. ઘરમાં વીજળીના અભાવે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ અને મહિલાઓનું જીવન હાડમારીભર્યું બન્યું હતું પરંતુ નિઃશૂલ્ક વીજ જોડાણ સાથે સીએફએલ બલ્બ પણ મળતા અંધારિયા યુગમાંથી બહાર આવ્યા હોવાની અનુભૂતિ થઈ છે જે બદલે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કરૂ છું.
BY: માહિતી વિભાગ વલસાડ

