વલસાડ: યુવા પેઢી સંવિધાન હક્ક અધિકારથી જાગૃત બને, આદિવાસી ઓળખ, અસ્મિતા, આદિવાસીયત્વ મટાડવા બહારથી થતી ઘુણસણખોરી અટકાવવા અને આંતરજાતીય વિવાહ અટકાવવા, નશાખોરીથી દુર રહેવા, હિંસા, આત્મહત્યાના બનાવો અટકાવવા અને મહિલાઓના મજબૂત સશકિતકરણ સહિતના ૧૩ થી વધુ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીમાં વસતા આદિવાસી કુંકણા, કોકણી, કોકણા જ્ઞાતિ મંડળનું મહાસંમેલન આગામી તા. ૨૩ અને ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ મહારાષ્ટ્રના નાંદુરી (સપ્તશૃંગી ગઢ) ખાતે યોજાનાર છે. તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ધરમપુર ખાતે તા. ૧૧ માર્ચે મીટિંગ મળી હતી.
આદિવાસી કોકણા, કોકણી, કુંકણા, કુનબી(ડાંગ) સમાજની મીટિંગમાં ગુજરાતના વિવિધ જિલ્લાના કોર કમિટીના સભ્યો તેમજ વિવિધ જિલ્લાના સંગઠનના પ્રમુખ-મંત્રી તેમજ કુળ પરિવારના પ્રમુખ અને મંત્રી તેમજ નવસારી, વલસાડ, ધરમપુર, કપરાડા, વાંસદા, ચીખલી અને સુરત વિસ્તારના સમાજના અગ્રણીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના શિક્ષિતવર્ગ સાથે વૈચારિક રાષ્ટ્રીય મહાસંમેલન ધરમપુરના કુંકણા સમાજના પ્રમુખ ભાણાભાઈ ભોયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય લેવલનું મહાસંમેલન મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે
જે પૂર્વે કોકણા, કોકણી, કુંકણા, કુનબી (ડાંગ) સમાજના રીત રિવાજો તેમજ જન્મ, મરણ, લગ્નની રીત રિવાજો અને શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ એક મંચ પર રજૂ કરવા માટે વિવિધ રાજ્યમાંથી આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં આવનાર હોય જિલ્લા-તાલુકા- ગામો અને ફળિયામાં વિવિધ સમિતીની કામગીરી અને જવાબદારીની સમજ તેમજ તેનાથી ગામના દરેક કુટુંબ સુઘી જન-જાગૃતિ દ્વારા આ માહીતિ પહોંચે તેવા આશયથી કામગીરીની વહેંચણી આ મીટિંગમાં કરી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. તા.૧૯/૩/૨૦૨૩ના રોજ ફરી મળનાર ગુજરાત રાજયની કોર સમિતીની મીટિંગમાં વિવિધ જિલ્લા-તાલુકા સમિતીના કન્વીનરોના નામોની યાદી સાથે ધરમપુર ખાતે મળનાર બેઠકમાં સમિતીમાં આપવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાશે. આ મીટિંગમાં મણિભાઇ ભૂસારા (કેન્દ્રીય કોર સમિતિના સભ્ય), એન કે પઢેર, બાબુભાઇ ગાંગુડા (કોર સમિતિના સભ્ય, પ્રમુખ – કુંકણા સમાજ,વાંસદા), નાનુભાઇ કે.પટેલ ( પ્રમુખ- કુંકણા સમાજ,વલસાડ સિટી), ધૂમ (પ્રમુખ-કુંકણા સમાજ, કપરાડા), નિલેશભાઇ નિકુળીયા (કોર સમિતિના સભ્ય), કાંતિભાઇ કુન્બી ( કોર સમિતિના સભ્ય), ભૂપેન્દ્રભાઇ પવાર (પ્રમુખ- કુંકણા સમાજ, સુરત) ઉપસ્થિત રહ્યા હતા.











