વલસાડ: તીથલ રોડ કોસંબા સ્થિત આવેલ સરકારી પોલીટેકનિક વલસાડને નેશનલ બોર્ડ ઓફ એક્રિડીટેશન નવી દિલ્હી દ્વારા વોશિંગ્ટન એકોર્ડ (US) ના ગુણવત્તા પ્રમાણે કોલેજનું પરીક્ષણ કરીને 2022-23, 2023-24 અને 2024-25 સુધી સંસ્થાના સીવીલ ઇજનેરી વિભાગ તેમજ કેમિકલ ઇજનેરી વિભાગને માન્યતા આપવામાં આવી છે.

કોલેજના આ બંને વિભાગોમા ઇજનેરી તજજ્ઞો દ્વારા સઘન ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું. જેમાં NBA ના માપદંડો અનુસાર કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સવલતો, લેબોરેટરીઓ, શૈક્ષણિક સ્ટાફની લાયકાતો તથા અનુભવ, શૈક્ષણિક ગુણવત્તા, લાઈબ્રેરી, વિદ્યાર્થીઓનું પરિણામ, બજેટ, ટ્રેનિંગ પ્લેસમેન્ટ, એંન્ટરપ્રીનીયરશીપની છેલ્લા ત્રણ વર્ષોની કામગીરી ચકાસવામાં આવી હતી.

સંસ્થાના આચાર્ય શ્રીમતી રિંકુ શુક્લા મેડમે જણાવ્યું હતું કે NBA સર્ટીફીકેટ ધરાવતા વિભાગમાંથી ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સર્ટીફીકેટ સમગ્ર વિશ્વના 9 થી 10 દેશોમાં માન્યતા ધરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જનાર વિદ્યાર્થીઓને સીધો જ તેનો લાભ મળશે.