વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના માજી સૈનિકોના અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ-વલસાડ એકમના પ્રમુખ નિવૃત્ત સાર્જન્ટ મહેશકુમાર સોલંકી ધરમપુર ચોકડીથી વલસાડ તરફ મોપેડ લઇને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતાં અકસ્માત થયો હતો જેમાં તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે મહેશકુમાર સોલંકી મૂળ ખેરગામના હતા પણ વલસાડના અબ્રામા ખાતે વૃંદાવન સોસાયટીમાં પૂત્ર હિરલ સોલંકી અને પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઇન્સ્યોરન્સનું કામ સાથે સંકળાયેલા હતા તેઓ 9 માર્ચે સાંજે પોતાની મોપેડ લઇને ઘરેથી કોઇ કામ માટે નિકળ્યા અને કામગીરી ખતમ કરી ઘર તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે 8 વાગ્યાની આસપાસ ધરમપુર ચોકડીથી વલસાડ તરફ રોડ ક્રોસ કરતી વખતે વલસાડ થી ધરમપુર રોડ પર પૂરપાટ આવી રહેલા એક બાઇક ચાલકે અડફેટમાં લેતા તેઓ રસ્તા પર જોરથી પટકાયા હતા અને તેમના માથામાં ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું હતું.
અકસ્માત સ્થળેથી તેમને 108 માં લોટસ હોસ્પિટલમાં પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને લઇ હાલમાં ખેરગામ અને વલસાડમાં સૈનિકોમાં દુઃખની લાગણી પ્રસરી છે.

