ડેડિયાપાડા: નેશનલ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર, IIM- અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક, સેવન સ્કિલ ફાઉન્ડેશન, ક્લિક જ્ઞાન અને નેટ્રા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિક્ષકને નેશનલ એજ્યુકેશનલ એવોર્ડ એનાયત કરાયો.
Decision News ને મળેલી માહિતી મુજબ નેશનલ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર, IIM- અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક, સેવન સ્કિલ ફાઉન્ડેશન, ક્લિક જ્ઞાન અને નેટ્રા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નેશનલ એજ્યુકેશનલ ઇનોવેશન એવોર્ડ માટે ઇનોવેટિવ શિક્ષકોનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાંથી 19 શ્રેષ્ઠ ઇનોવેટિવ સારસ્વતોની પસંદગી કરવામાં આવી હતી. SIR- ફાઉન્ડેશન 2006 થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્માન કરે છે આ વર્ષે પણ દેશભરના 12 રાજ્યોમાંથી આવેલા એજ્યુકેશનલ ઇનોવેશન માંથી 250 ઇનોવેટિવ આઈડિયા પસંદ કરાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિક્ષક શ્રી નિલેશભાઈ પ્રજાપતિના ‘અર્વાચીન આસપાસ’ નવતર પ્રયોગની પસંદગી કરાઈ હતી.
તેમણે કરેલા આ ઇનોવેશન બદલ મહારાષ્ટ્રના શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક તથા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગીરીશસિંહ પ્રભુણે, એચ.એન.જગપત, સુહાસીની શાહ (ડાયરેક્ટર પ્રિસિજન કંપની), બાલાસાહેબ વાઘ તેમજ સિદ્ધરામ સરના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને ગુરુમંત્ર બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની આ વિશેષ સિદ્ધિ બદલ શિક્ષણ જગતમાંથી નિલેશભાઈ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.











