નવસારી: દર વર્ષે ૮મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. મહિલાઓ અંગે જનજાગૃતિ આવે, પોતે મજબૂત થાય, પ્રોત્સાહન અપાય અને લોકમાનસ તૈયાર થાય એના માટે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતુ.

માનવાધિકારને ધ્યાનમાં રાખીએ તો આ દિવસ મહત્વનો છે. મહિલાઓના રાજનૈતિક અને સામજીક ઉત્થાન માટે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ સામજીક માનસિકતા, પરિવારની રૂઢિગત માન્યતા અને મહિલાઓનો ખુદનો અભિગમ નહિ બદલાય ત્યાં સુધી દેશને સુખાકારીના માપનમાં આગળ લઈ જઈ શકીએ નહિ. દેશ ત્યારે જ સમૃદ્ધિ તરફ જશે જ્યારે પરિવારમાં મહિલાઓ પણ રોજગાર માટે બહાર નીકળશે. રાષ્ટ્રીય આવકમાં મહિલાઓનો પણ હિસ્સો વધે તે દિશામાં પ્રયાસો કરવાની જરૂર છે. આજે પહેલાની સરખામણીએ મહિલાઓ ખૂબ આગળ વધી છે. હાલ રાષ્ટ્રના નાણાંમંત્રી પણ એક મહિલા છે તે આપણા માટે એક વિશેષ ગૌરવની વાત છે. કોઈપણ એવું સ્થાન નથી જ્યા મહિલા ના પહોંચી હોય, પરંતુ આટલા વિશાળ દેશમાં ફક્ત થોડી મહિલાઓ જ સર્વોચ્ય સ્થાને પહોંચી છે તેને પ્રેરણા બનાવી અન્ય મહિલાઓ પણ પગભર થઈ અને આગળ આવે તે દિશામાં પ્રયાસો થાય તે ખૂબ જરૂરી છે. આપણે સૌએ પણ પારિવારિક જવાબદારી માત્ર મહિલાઓની છે તેવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે તો જ ખરા અર્થમાં આપણે પણ એમને સાથ આપી રહ્યા છે એવું ચરિતાર્થ થશે.

આજે વિશ્વ મહિલા દિવસે દરેક મહિલા જીવનમાં કંઇક કરી બતાવાની અને કંઇક બનવાનો સંકલ્પ કરે તો જ ખરા અર્થમાં આજના મહિલા દિવસની ઉજવણી કરી કહેવાશે. “માત્ર ચાર દીવાલો એનું કામ નહિ, ઉપર આકાશ નીચે ધરતી ક્યાં એનું નામ નથી ? જ્યારે સ્વયં શિવ કહે- હું અર્ધનારેશ્વર.”

BY નિરલ પટેલ