ધરમપુર: મોટી ઢોલડુંગરી ગામે આખા ગામની એક જ હોળી હોય છે જે ગામના સરપંચશ્રી દ્વારા આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી બાપ દાદાની પેઢીઓથી ગામના આદિમ જૂથના આગેવાન દ્વારા સળગાવવામાં આવે છે અને આખું ગામ એક થઈને મોટી સંખ્યામાં ઉજવણી કરે છે
ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે આદિવાસી સમાજ માટે હોળી એટલે ફસલી ઉત્સવ.. આનંદ ઉલ્લાસ સાથે કુદરતનાં નવા રંગરૂપને સ્વાગત કરવાનો દિવસ, પાનખર ઋતુ પછી વૃક્ષ, ઝાડ, પાન, વનસ્પતિના નવા પાન ફુટવાનો આનંદ, લણણી પૂર્ણ કર્યા બાદ આનંદ ઉલ્લાસ સાથે સમાજમાં પ્રાકૃતિક ઉત્સાહ આપતો સામજિક તહેવાર, ચોમાસું પાકનાં વાવેતર પછી ૮ મહિના જેટલી આકરી મહેનત પછી માર્ચ થી જુન વિવિધ સામાજિક પ્રસંગો જેવા કે સગાઇ, લગ્ન,નવા ઘરની બાંધકામ થી શરુઆત, ખેતરમાં પાક સારો ઉતરશે એવી આશા સાથે નવું ધાન્ય ચઢાવાનો રિવાજ, કુદરતે આપેલી તમામ વસ્તુને કુદરતને આપીને જ ખવાય એમ માની તમામ પ્રકારના અનાજની વધામણી આગમાં કરી હોળી ઉજવવામાં આવે છે.
આદિવાસી કયારેય કોઇના મૃત્યુ નો કે પછી કોઇનાં હારનો ઉત્સવ નથી ઉજવતો. પોતાના જીવન નિર્વાહ માટે પરસેવાથી ઉત્પન્ન કરેલું નવું ધાન્ય, પાક મળ્યાની ખુશી વ્યક્ત કરવા માટે પ્રકૃતિનો આભાર માનવા નવાં ધાન્યો, પાકો કુદરતને આપવાની રુઢિપરંપરા એટલે ફસલી ઉત્સવ હોળી..!

